
શિક્ષણના બ્રાન્ડ એમ્બેસેડર શિક્ષણવિદ્ સંજય રાવલે લાખો વિદ્યાર્થીઓને અજવાળાનો સ્પર્શ કરાવ્યો છે
આલેખનઃ રમેશ તન્ના

અમદાવાદમાં વસતા સંજય રાવલ એક એવા શિક્ષણવિદ્ છે જેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સતત કામ કર્યું છે. શિક્ષક, આચાર્ય, શિક્ષણવિદ્ હોવા ઉપરાંત તેઓ વિદ્યાર્થીઓ-વાલીઓના “વકીલ” પણ બન્યા છે.
પહેલાં તેમનો ટૂંકો પરિચય જોઈએઃ
સંજયભાઈનાં માતાનું નામ સૂર્યકાન્તાઅને પિતાનું નામ કાંતિલાલ .તેમનું મૂળ વતન ચરાડા. તાલુકો માણસા અને જિલ્લો ગાંધીનગર. તેમના પિતા હાઈસ્કૂલમાં આચાર્ય હતા. આ રીતે આપણે એમ કહી શકીએ કે તેમને વારસામાં જ શિક્ષણનો વ્યવસાય મળ્યો છે. સંજયભાઈએ અમદાવાદની એમ.જી. સાયન્સ કૉલેજમાંથી ગણિત વિષય સાથે બીએસસી કર્યું. તેમની કારકિર્દી પત્રકાર તરીકે શરૂ થઈ. તેમણે ‘સમભાવ’માં એક વર્ષ સુધી પત્રકાર તરીકે ફરજ બનાવી. 16 વર્ષ શિક્ષક તરીકે અને 17 વર્ષ આચાર્ય તરીકે એટલે તેમણે કુલ 33 વર્ષ વિદ્યાતપ કર્યું.
તેઓ નખશીખ અને જન્મજાત શિક્ષક. તેમના લોહીમાં જ શિક્ષણ વણાયેલું છે . સને 1988થી તેમણે રેડિયોમાં શિક્ષણલક્ષી કાર્યક્રમો આપવાના શરૂ કર્યા અને એ પછી તેઓ ટેલિવિઝન સમાચાર-ચેનલોમાં પણ શિક્ષણ અંગેની વાત કહેતા થયા. શિક્ષણ અંગે સમજણથી વાત કરવી, પૂરો અભ્યાસ કરીને વાત કરવી, નિસબતથી વાત કરવી, આખા વિશ્વના પ્રવાહોને સમજવા અને માતા-પિતા, શિક્ષણ સંસ્થાઓના સંચાલકો, શિક્ષકો, આચાર્યો, શાસકો-વહીવટદારોને શિક્ષણની સાચી પરિસ્થિતિથી અવગત કરાવવા.. એ મુખ્ય કામ સંજયભાઈએ નિયમિત રીતે કર્યું છે. મીડિયાના જુદા જુદા મંચ પર કદાચ તેમના જેટલા શિક્ષણ અંગેના કાર્યક્રમો બીજા કોઈના પ્રસારિત થયા નહીં હોય. તેમના શિક્ષણમાં બાળકોના ટોઈલેટ પ્રોબ્લેમથી લઈ વિજાતીય આકર્ષણ અને કારકિર્દીથી લઈ ફોરેન એજ્યુકેશન સુધીના આશરે 3000 જેટલા કાર્યક્રમો પ્રસારિત થયા છે. તેમના પ્રયાસોથી શિક્ષણમાં ઘણા સુધારાઓ થયા છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સેંકડો વિદ્યાર્થીઓને તેમણે આત્મહત્યા કરતાં રોક્યા છે.
મૂળ તેઓ જમીન સાથે જોડાયેલા માણસ છે. શિક્ષણમાં જે પરિવર્તનો આવે, સુધારા થાય તેને સાંપ્રત સ્થિતિ સાથે જોડવાની વાત તો ખરી જ, પરંતુ ખરેખર એ સુધારા કેટલા ઇચ્છનીય છે અને કઈ રીતે અને શા માટે લાગુ કરવા જોઈએ તેની પાછળની જે વિભાવના છે તેની સમજણ આ શિક્ષણવિદ્ પાસે પાકી, એટલે તો સરકારની જુદી જુદી સમિતિઓમાં પણ તેમની પસંદગી કરવામાં આવી છે.
સંજયભાઈએ સામાજિક જવાબદારી તરીકે આ બધું કામ કર્યું તેથી તેની ખૂબ મોટી અસર પડી છે. તેઓ ખૂબ અભ્યાસુ છે અને તેનો તેમને લાભ મળ્યો છે. આશરે બે લાખ વાલીઓને તેમણે જુદાં-જુદાં ક્ષેત્રના સીધી રીતે અભિપ્રાયો આપ્યા છે. તેઓ મૂળ સુધી જનારા માણસ છે અને તેનો ફાયદો લોકોને થયો છે.
સંજયભાઈ પાસે અભિપ્રાયો ઓછા અને વિચારો વધારે હોય છે. તેમના દરેક અભિપ્રાયની સાથે એક વિચારનું તત્ત્વ જોડાયેલું હોય છે. આ તેમની વિશેષતા છે. તેમના દરેક તર્કની સાથે તથ્ય જોડાયેલું હોય છે. તેમના દરેક ભાવ સાથે સામાજિક શ્રદ્ધા સંકળાયેલી હોય છે. આવું બીજામાં આપણને ભાગ્યે જ જોવા મળે .
નવી શિક્ષણની વાત હોય કે પછી ગુજરાત સરકારના જુદા જુદા વિભાગો હોય કે પછી જુદી જુદી પરીક્ષાઓ લેવાની વાત હોય એ દરેકમાં સંજયભાઈ એટલો સરસ રસ્તો બતાવે કે સરકારને પણ સારું લાગે. કોરોના વખતે લોકડાઉનમાં શિક્ષણને બચાવવા , જેમની પાસે ટેકનોલોજીના સાધનો નહિવત છે તેવાં ગરીબ અને સામાજિક પછાત વર્ગના દૂર દરાજના વિધ્યાર્થીઓ શિક્ષણથી અળગા અને વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણમંત્રી સાથે વાર્તાલાપ કરવા ૧૨ જેટલા શિક્ષણના નિષ્ણાતો સાથે શિક્ષણવિદ તરીકે તેમની પસંદગી કરવામાં આવી.
NEET અને JEE નીપરીક્ષા લેવાની હતી. પરિસ્થિતિ બહુ જ નાજુક હતી. પરીક્ષા લઈ શકાય એવી નહોતી અને જો પરીક્ષા ના લે તો લાખો વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે , તેમની કારકિર્દી જોખમમાં મૂકાઈ જાય ,વિધ્યાર્થીઓ સ્ટ્રેસ અનુભવે , નાસીપાસ થાય તેવી સ્થિતિ હતી. આવી સ્થિતિમાં સંજયભાઈએ એવો રસ્તો બતાવ્યો કે 33,000 સેન્ટર પર 27 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને કોરોનાનો એક પણ કેસ ના થયો. એ પછી તો ગુજરાત સરકારે વિવિધ સમિતિઓમાં તેમને રાખીને તેમની પાસે જે અનુભવ છે, તેમની સજ્જતા છે તેનો લાભ લેવાનું શરૂ કર્યું. શિક્ષકો અને આચાર્યોની વાત હોય કે પછી પરીક્ષા પદ્ધતિ જેવો મુદ્દો હોય તેવો હંમેશા એવું કહે કે આપણો વિદ્યાર્થી વધારે વિચારે એવું આપણે વાતાવરણ ઊભું કરવું જોઈએ. માત્ર તેજસ્વી અને ક્રીમ વિદ્યાર્થીઓ ઊભા કરવા માટે શિક્ષણ પદ્ધતિ ના હોય, કારણ કે એવું થાય તો ગોખીને, ચોરી કરીને પણ વિદ્યાર્થીઓ આગળ નીકળી જાય જેથી સરવાળે નુકસાન થાય. શિક્ષણની ફી નક્કી કરવાની હોય તો પણ એક પોલિસી-મેકર તરીકે તેમણે એવો રસ્તો કાઢ્યો હોય કે લોકોને હંમેશા ફાયદો થાય.
સંજયભાઈને લાખો વિદ્યાર્થીઓનો પ્રેમ મળ્યો છે. સેંકડો વાલીઓએ પણ તેમને પ્રેમ આપ્યો છે આ ઉપરાંત ઘણી બધી સંસ્થાઓએ પણ તેમના કામની કદર કરી છે જેમકે 2004માં ઇન્ટરનેશનલ એવોર્ડ ફૉર એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ તરફથી તેમને ઈન્ટર નેશનલ એવોર્ડ અપાયો હતો. અમદાવાદ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા 2005માં તેમનું વિશિષ્ટ સન્માન કરાયું હતું.
શાળા સંચાલક મંડળ અમદાવાદ જિલ્લાના અને જિલ્લા આચાર્ય સંઘ દ્વારા પણ 2017માં તેમને વિશિષ્ટ સન્માન અપાયું હતું તો શિક્ષણ-ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા માટે તેમને બ્રહ્મરત્ન એવોર્ડ અપાયો હતો. સ્ત્રીઓને પોતાના ક્ષેત્રમાં આગળ વધવામાં મદદ કરતા હોય એવા પુરુષોને અપાતો ટીમા એવોર્ડ પણ તેમને એનાયત કરાયો હતો. હેલો ગુજરાત ન્યુઝ એજન્સી તરફથી તેમને મીડિયા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ “મીડિયા આઈકોન “ એવોર્ડ અપાયો હતો.
સંજયભાઈએ વિશ્વના ઘણા બધા દેશોનો પ્રવાસ કર્યો છે, જેમાં સિંગાપોર, યુકે, ન્યૂ ઝિલેન્ડ, દુબઈ શ્રીલંકા, મલેશિયા, હોંગકોંગ, કેન્યા, યુગાન્ડા અને કેનેડા વગેરેનો સમાવેશ થાય છે.
શિક્ષણ તો સમાજની આંખ અને દૃષ્ટિ છે. કોઈ પણ સમાજ કે રાષ્ટ્રના ઉત્થાન માટે શિક્ષણ અનિવાર્ય છે. પારાવાર પ્રશ્નોથી પીડાતા શિક્ષણના ક્ષેત્રમાં એવા અભ્યાસી નિષ્ણાતો હોવા જ જોઈએ જે નિસબતથી સાચી વાત કરે. વિશ્વના પ્રવાહને સમજીને યોગ્ય સ્થાનિક નિર્ણયોની વાત કરે. જે હોય તે જ કહે. જેણે જેણે કરવા જેવું હોય તેને કહે જ. ભારપૂર્વક અને ભાવપૂર્વક કહે. આવા જ એક અભ્યાસું અને નિસબતી શિક્ષણવિદ્ સંજય રાવલ ગુજરાત વિદ્યાવિશ્વમાં અપવાદ અને આશા બન્ને છે.
આપ તેમનો 94265 38609 નંબર પર સંપર્ક કરી શકો છો.