સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તા.૧૧ એપ્રિલને શનિવારના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાંથી ટિકિટ નહી મળતા અગાઉ પાલિકાના સદસ્ય રહી ચૂકેલ પિતા અને પુત્રએ અપક્ષમાંથી ફોર્મ ભરતા ભાજપને આ વોર્ડમાં નુકશાન થશે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના પૂર્વ સદસ્ય જામાભાઈ મોતીભાઈ ગરીયા અને ગત ટર્મના પાલિકાના વોર્ડ નંબર ૦૩ ના સદસ્ય હરેશ ગરીયાની આગામી મહાનગરપાલિકાની ચુંટણી માટે ભાજપ દ્વારા ટિકિટ કાપતા બન્ને પિતા-પુત્રએ ભાજપ સામે બળવો કરી આગામી મનપાની ચૂંટણીમાં અલગ અલગ વોર્ડમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેમાં વોર્ડ નંબર ૦૩ માંથી જામાભાઈ ગરીયા અને વોર્ડ નંબર ૦૪ માંથી હરેશ ગરીયાએ અપક્ષમાંથી પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે ફોર્મ ભર્યા છે. જ્યારે અગાઉ ભાજપમાંથી વિજેતા થયેલા બે પુર્વ સદસ્યોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ બન્ને વોર્ડમાં આવનાર મનપાની ચુંટણીમાં ભાજપને મોટું નુકશાન જશે અથવા પેનલના અમુક ઉમેદવારોને હારનો સામનો કરવો પડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે અપક્ષમાંથી ફોર્મ ભર્યા બાદ પિતા અને પુત્રએ મનપામાં ટિકિટ ફાળવવા બાબતે ભાજપને આડે હાથ લઈ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.