સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ પુલ પર મોટું ગાબડું પડતા તંત્રની હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી છે અને આ મામલે લોકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદીમાં આવેલ કોઝવે પર દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા અનેક વખત રજુઆતો બાદ સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં કોઝવેની જગ્યાએ અંદાજે ૦૮ કરોડથી વધુના ખર્ચે ભોગાવો નદીમાં પુલ બનાવવા આવ્યો હતો અને ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત પાંચ થી વધુ ગામોના ગ્રામજનો અને વાહન ચાલકો આ પુલ પર થી અવરજવર કરતા રાહત મળી હતી. પરંતુ તાજેતરમાં પુલ પર અંદાજે ૦૨ ફુટ જેટલું મોટું ગાબડું પડતા તંત્રની નબળી અને હલકી ગુણવતાની કામગીરી સામે આવી છે. માત્ર ૦૪ વર્ષના ટૂંકાગાળામાં જ પુલ પર ગાબડું પડતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે.ગોદાવરી ગામની ભોગાવો નદી પરના નવા પુલમાં ગાબડું પડતા ફરી પાંચ થી વધુ ગામોના લોકોના જીવ પર જોખમ ઉભું થયું છે જે મામલે સ્થાનિક આગેવાનો અને જાગૃત નાગરિક દ્વારા પુલ પર ગાબડું અંગેના વીડિયો અને તસવીરો વાયરલ કરી તંત્ર અને સરકારને જગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે અને તંત્ર દ્વારા પુલ પર વાહન વ્યવહાર બંધ કરાવી ગાબડાનું તાત્કાલિક રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
-Viren Dangrecha.

