સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ સુરેન્દ્રનગર જીલ્લામાં ભાજપમાં ગાબડું પડ્યું છે. લીંબડી તાલુકાના કોળી સમાજના ભાજપના આગેવાનએ પોતાના અંદાજે ૫૦થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા છે.જે અંગે મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના કોળી સમાજના ભાજપના આગેવાન તેજાભાઇ મેટાલિયા અને અંદાજે ૫૦ થી વધુ કાર્યકરોએ ભાજપને રામરામ કરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ તકે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં અને અગાઉ જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ ભાજપમાંથી જીતી ચૂક્યા હોવા છતાં ભાજપ પક્ષ દ્વારા જુના અને અનુભવી કાર્યકર્તાઓને અન્યાય થતો હોવાથી કોંગ્રેસમાં જોડાયા હોવાનું જણાવ્યું હતુ. જ્યારે કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના કોળી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓનું જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, ઝરણાબેન જાની સહિતના આગેવાનો દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેની અસર જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.