સુરેન્દ્રનગર, તા.૧૪
સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી માહોલ વચ્ચે રાજકીય મહાનુભાવો દ્વારા ત્રીનેત્રેશ્વર મહાદેવની પુજા, અર્ચના અને આરતી કરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ થાન તાલુકાના તરણેતર ખાતે તા.૧૪ થી ૧૭ સપ્ટેમ્બર સુધી યોજાનાર વિશ્વ પ્રસિદ્ધ લોકમેળાને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતનાઓ દ્વારા ત્રીનેત્રેશ્વર મહાદેવની પુજા અને અર્ચના કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાંથી જ નહીં પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં તરણેતરના મેળામાં મુલાકાત લે છે આ મેળાના માધ્યમથી સ્થાનિક કલાકારોની કળા અને કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તેમજ મેળામાં ગ્રામીણ ઓલમ્પિક, લુપ્ત થતી પરંપરાગત રમતો, અલગ-અલગ વેશભૂષાની હરીફાઈઓ તેમજ ડાકલા, મંજીરા અને ડમરુ વાદકો જેવા પરંપરાગત કલાકારોની સ્પર્ધાઓ યોજાય છે. આ ઉપરાંત શ્રેષ્ઠ ઓલાદના પશુઓની હરીફાઈ પણ યોજવામાં આવે છે મેળામાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને લોકોની સુરક્ષા માટે જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા પોલીસ વડાની સમગ્ર ટીમ ખડેપગે ફરજ બજાવી રહી છે. વરસાદ બાદ મેળાનો ઉત્સાહપૂર્વક આનંદ માણવા મહાનુભાવો દ્વારા અપીલ કરી હતી અને ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના ચરણોમાં મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. આ તકે જીલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, જીલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા સહિતના મહાનુભાવો, આગેવાનો, અધિકારીઓ તેમજ મેળા રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
– Viren Dangrecha.

