સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર થી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ સહિતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર થી પાણશીણા પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે પોલીસ સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ પાણશીણા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. કે.ડી.જાદવ સહિત સ્ટાફના ઈન્દ્રજીતસિંહ રાઠોડ, ભવાનભાઈ બળોલીયા, નિકુલભાઈ ઝાપડીયા, દેવજીભાઈ ખાવડીયા સહિતના સ્ટાફે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં હાઈવે પર દેવપરા ગામના પાટિયા પાસે આવેલ હોટલ રાજખોડલ કૃપા હોટલ પાસેથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો ૪૯૫૬ કિંમત રૂ.૩૭.૫૮ લાખ, ટ્રક કિંમત રૂ.૧૦ લાખ, મોબાઈલ સહિત ફુલ રૂ.૪૭.૬૩ લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક બાબુસિંગ વસ્તુસિંગ રાજપૂત રહે.રાજસ્થાન વાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ઝડપાયેલ ટ્રક ચાલક અને હાજર મળી નહિ આવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.