સુરેન્દ્રનગર, તા.૧૧ નવેમ્બર ૨૦૨૬
સુરેન્દ્રનગર જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન જગતજનની માં ચામુંડા માતાજીના દર્શનાર્થે દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શનાર્થે ચોટીલા ખાતે પહોંચ્યા હતા. દિવાળીના પર્વથી જ ચોટીલા ડુંગર પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે જેમાં ડુંગરની તળેટીથી લઈને ઉપર આવેલા માતાજીના મંદિર સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર ડુંગર પર ‘બોલો ચામુંડા માત કી જય’ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. દૂરદૂરથી આવેલા માઈભક્તોએ માં ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ મહાપ્રસાદ અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. તહેવારો દરમિયાન ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ચોટીલા ડુંગર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. દર્શનાર્થીઓને દર્શન કરવામાં તેમજ ડુંગરની ચડતી-ઉતરતી વખતે કોઈ મુશ્કેલી કે હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે સુરક્ષા અને વ્યવસ્થાપનના ખાસ આયોજન કરવામાં આવ્યા હતા. તેમજ દિવાળીથી લઈને લાભપાંચમ સુધીના તહેવારોના સમયગાળા દરમિયાન અંદાજે ૦૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ઉમટી પડશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આમ, દિવાળી અને નૂતન વર્ષના પર્વે ચોટીલા યાત્રાધામમાં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.
– Viren Dangrecha.

