ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે સુખભાદર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. જે અંગે મળતી માહિતી મુજબ ચોટીલાના છેવાડાના ચીરોડા (ભા) ગામ નજીક આવેલી સુખભાદર નદીના પટમાં ગેરકાયદેસર કાળી રેતીનું ખનન કરતા ભૂમાફિયા જોગીદાસ ખાચર રહે. ચીરોડા વાળાને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થળ પરથી ૦૧ ડમ્પર, ૦૧ લોડર મશીન, ૦૧ ટ્રેક્ટર-ટ્રોલી સહિત અંદાજે ૧૨૦ ટન કાળી રેતી કબજે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન વાહનો અને રેતી મળી કુલ રૂ. ૭૧.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઝડપાયેલા ભૂમાફિયા જોગીદાસ ખાચર તેમજ હાજર ન મળેલા જેસાભાઈ ભરવાડ સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

