સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાથી લઈને જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય જીત મેળવી કોંગ્રેસને મોટાભાગે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની કુલ ૫૨ બેઠકોમાંથી ભાજપે ૫૧ બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસને માત્ર ૦૧ બેઠક મળી હતી. જીલ્લા પંચાયતની કુલ ૩૨ બેઠકોમાંથી ભાજપે ૩૦ બેઠકો કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસને ૦૧ બેઠક પર જીત મળી હતી. જીલ્લાની ૧૦ તાલુકા પંચાયતની કુલ ૧૮૦ બેઠકોમાંથી ભાજપે ૧૪૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસને ૨૫ બેઠકો, આમ આદમી પાર્ટીને ૦૭ બેઠકો તથા અન્ય ઉમેદવારોને ૦૬ બેઠકો મળી હતી. તે જ રીતે ૦૪ નગરપાલિકાની કુલ ૧૧૨ બેઠકોમાંથી ભાજપે ૧૦૩ બેઠકો પર જીત નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસને ૦૯ બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો. થાન નગરપાલિકાની ૦૧ બેઠકની પેટાચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ચૂંટણી પરિણામ જાહેર થતા જ વિજેતા ઉમેદવારો દ્વારા પોતાના વિસ્તારોમાં ડીજેના તાલે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા. આ સરઘસમાં મોટી સંખ્યામાં મતદારો, સમર્થકો અને કાર્યકરો જોડાયા હતા. ચોટીલાના વતની અને પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તથા જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા સહિત તમામ ધારાસભ્યોએ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મળેલી ભવ્ય જીત બદલ તમામ વિજેતા ઉમેદવારો અને મતદારોને અભિનંદન પાઠવ્યા હતા.




