સુરેન્દ્રનગર જીલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસુલ વિભાગના નાયબ મામલતદાર અને આઉટસોર્સિંગ પટ્ટાવાળો સુરેન્દ્રનગર ACBના હાથે લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જે અંગે મળતી માહિતી મુજબ ફરિયાદીના પિતાએ વેચાણથી ખરીદેલી ખેતીની જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે આરોપીઓએ રૂ. 50,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, અંતે રકઝક બાદ રૂ. 20,000માં સોદો નક્કી થયો હતો. આ અંગે ફરિયાદ મળતાં સુરેન્દ્રનગર ACB પોલીસે લખતર મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન નાયબ મામલતદાર જયદીપસિંહ હનુભા પરમાર અને આઉટસોર્સિંગ પટ્ટાવાળો કનકસિંહ વાધુભા ઝાલાને રૂ. 20,000ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બન્ને આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.